બાળગીત

મેં એક બિલાડી

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રૂપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટ પટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે

દીવો મેં તો દીઠો
મામો લાગે મીઠો

તાળી વગાડે છોકરાં
મામા લાવે ટોપરાં

ટોપરાં તો ભાવે નહિ
મામા ખારેક લાવે નહિ

મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી

મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ

મામે સામું જોયું
મારું મનડું મોહ્યું

મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
......................
દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
................
હાલરડું

હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં

ભઈલો મારો ડાહ્યો
પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી
ભઈલો પડ્યો હસી
હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં

ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
ભાઈ મારો છે વણઝારો
એને શેર સોનું લઈ શણગારો
હાલા રે વાલા મારા ભઈલાને
હાં...હાં...હાં...હાં

હાલા રે વાલા મારી બેનડીને
હાં...હાં...હાં...હાં

બેની મારી છે ડાહી
પાટલે બેસીને નાહી
પાટલો ગયો ખસી
બેની પડી હસી
હાલા રે વાલા મારી બેનડીને
હાં...હાં...હાં...હાં

બેની મારી છે લાડકી
લાવો સાકર ઘીની વાડકી
ખાશે સાકર ઘી મારી બેની
ચાટશે વાડકી મિયાંઉમીની
હાલા રે વાલા મારી બેનડીને
હાં...હાં...હાં...હાં
......................
વાર્તા રે વાર્તા

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાંને સમજાવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછે ભીંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અ ર ર ર ર માડી
................

ાપા પગલી

પાપા પગલી ધૂળની ઢગલી
ઢગલીમાં ઢેલ જીવે મારી બેન

પાપા પડિયા થોડુંક રડ્યાં
રડતાં રડતાં આંસુડાં ખર્યાં

પાપા પોળી ઘીમાં ઝબોળી
ચોળીને ખાજો તાજામાજા થાજો

તાજામાજા થાજો
તાજામાજા થાજો.......
........................
એક બિલાડી જાડી

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ

તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર

સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો

મગર બિલ્લીને ખાઈ ગયો

-ચંદ્રવદન ચી. મહેતા
....................
મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ
એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ

એ તો હીંચકે બેસીને ઝૂલા ઝૂલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય
એને ખાતો જોઈને મારું મનડું હરખાય

એ તો મસ્તીમાં આવી થૈ થૈ ડોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે
...............
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.

મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.

જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.

દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.

રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.
.................
ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”
હોળી આવી


હોળી આવી હોળી આવી
હોળી આવી હોળી આવી

ફાગણ માસે હોળી આવી
ફાગણ માસે હોળી આવી

હોળી આવી હોળી આવી
હોળી આવી હોળી આવી

રંગભરી પીચકારી આવી
રંગભરી પીચકારી આવી

કેસૂડાના રંગે રંગે
કેસૂડાના રંગે રંગે

ભાઈબંધોના સંગે સંગે
ભાઈબંધોના સંગે સંગે

રંગે ચંગે આજ ઉમંગે
રંગે ચંગે આજ ઉમંગે

આવો હોળી રમિયે
આવો હોળી રમિયે
આવો હોળી રમિયે
................
ીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી

ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ
મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું
નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું

રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ

ઘર આ મારું જમો સુખેથી મધની લૂમેલૂમ
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ

મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર

આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘણેરા લાગ્યા
ખાધો બાપ રે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા’તા આફત ટાળી મોટી

–રમણલાલ સોની
.............
લ રે ઘોડા


ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

ચલ રે ઘોડા ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

જાઉં મારે દૂર દૂર
ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

ઝટઝટ ઝટઝટ ચાલજે
જલદી જલદી દોડજે
નદી ઝરણાં કૂદજે

ચલ રે ભાઈ ચલ રે ભાઈ
ચલ રે ભાઈ ચલ ચલ

ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

ફરર ફરર આવે હવા
ઠંડી ઠંડી મીઠી હવા
સ્વારી કરવાની મજા

ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

જાઉં મારે દૂર દૂર
ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ

ચલ રે ઘોડા ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ
..............
નાના સસલાં


ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

કૂણાં તરણાં ખાતાં રે
દોડી દોડી જાતાં રે
ડગમગ ડગમગ જોતાં રે કેવાં સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

રેશમ જેવા સુંવાળા
ગોરા ગોરા રૂપાળા
ધીમે કૂદકાં મારે રે નાના સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ધીંગામસ્તી કરતાં રે
બાથંબાથી કરતાં રે
રમ્મત ગમ્મત કરતાં રે નાના સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં
................
ાના નાના સૈનિક


કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક
કદમ મિલાવી બઢતા જાય
નાના નાના સૈનિક

કદમ મિલાવી બોલતાં જાય
જય હિન્દ જય હિન્દ
કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક

ટેન્ક સૌથી આગળ ચાલે
ઢમઢમ બેન્ડ વાગે
લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ
લેફ્ટ રાઈટ કરતાં જાય
નાના નાના સૈનિક

કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક

ફૂમતાવાળી કેપ પહેરી
ટોપા બૂટ મોજા પહેરી
ગીતો ગાતાં ચાલ્યા જાય
નાના નાના સૈનિક

કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક

ખાડા ટેકરાં કૂદનારા
હિમ્મતથી આગળ વધનારા
જંગલ પહાડો ભમતા જાય
નાના નાના સૈનિક

કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક
કદમ મિલાવી બઢતા જાય
નાના નાના સૈનિક

કદમ મિલાવી બોલતાં જાય
જય હિન્દ જય હિન્દ
કૂચ કરતાં ચાલ્યાં જાય
નાના નાના સૈનિક
....................
એક હતો ઉંદર


એક હતો ઉંદર
કોટ પહેર્યો સુંદર

હાથમાં લીધી સોટી
વાતો કરતો મોટી

જો બનું હું અન્નપ્રધાન
કદી પડે ન અન્નની તાણ

ઉંદર સેના ઘૂમતી જાય
ચોકી પહેરો કરતી જાય

કોઠા રોટલા ચરતી જાય
લોકો સૌ વહેંચી ખાય
...................
ચાંદો સૂરજ રમતા'તા


અમે ચાંદો સૂરજ રમતા’તા
રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં
ચીભડે મને બી દીધાં

બી બધાં મે વાડમાં નાખ્યાં
વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો
ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું
મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું
બાદશાહે મને ઘોડો આપ્યો

ઘોડો મેં બાવળિયે બાંધ્યો
બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી
ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી
કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું

પાણી મેં છોડને પાયું
છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં પૂજારીને આપ્યા
પૂજારીએ મને પ્રસાદ આપ્યો

પ્રસાદ મેં બાને આપ્યો
બાએ મને લાડવો આપ્યો
એ લાડવો હું ખાઈ ગ્યો
ને હું આવડો મોટો થઈ ગ્યો
.................
મારો છે મોર

મારો છે મોર મારો છે મોર
મોતી ચરંતો મારો છે મોર

મારી છે ઢેલ મારી છે ઢેલ
મોતી ચરંતી મારી છે ઢેલ

મારો છે મોર મારો છે મોર
રાજાનો માનીતો મારો છે મોર

મારી છે ઢેલ મારી છે ઢેલ
રાણીની માનીતી મારી છે ઢેલ

બોલે છે મોર બોલે છે મોર
સોનાને ટોડલે બોલે છે મોર

બોલે છે ઢેલ બોલે છે ઢેલ
રૂપાને બારણે બોલે છે ઢેલ
....................
નાની મારી આંખ

નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા કાન
એ સાંભળે મીઠા ગાન
એ તે કેવી અજબ જેવી વાત છે

નાક મારું નાનું
એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે

નાની મારી જીભ
એ માણે પીપરમીન્ટ
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા હાથ
એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા પગ
એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે
...............
ડોશીમા ડોશીમા


‘ડોશીમા ડોશીમા ક્યાં ચાલ્યાં?’
‘છાણાં વીણવા’
‘છાણાંમાંથી શું જડ્યું?’
‘રૂપિયો’
‘રૂપિયાનું શું લીધું?’
‘ગાંઠિયા’
‘ખાય જે ગાંઠિયા ભાંગે તેના ટાંટિયા’
‘ઊભો રે'જે મારા પિટીયા’
........................
ચકીબેન ચકીબેન

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

બેસવાને પાટલો
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

પહેરવાને સાડી
મોરપીંછાવાળી
ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

ચક ચક કરજો
ચીં ચીં કરજો
ખાવાને દાણા
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા
આવશો કે નહિ આવશો કે નહિ

બા નહિ બોલશે
બાપુ નહિ વઢશે
નાનો બાબો તો
ઊંઘી ગયો ઊંઘી ગયો
નાનો બાબો તો
ઊંઘી ગયો ઊંઘી ગયો
..............
ખિલખિલાટ કરતાં


ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં

ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં

બોલ બોલ કરતાં
દોડી દોડી રમતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં

ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં

મુખડાં મલકાવતાં
સૌને હસાવતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં

ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં

થનગન નાચતાં
આનંદે રાચતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં

ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં

નિશાળે જાતાં
ગીત નવા ગાતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં

ખિલખિલાટ કરતાં
કલબલાટ કરતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં
નાનેરા બાળ અમે સૌને ગમતાં
...............
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ
.................
અડકો દડકો

અડકો દડકો દહીં દડુકો
શ્રાવણ ગાજે પીલું પાકે

ઊલ મૂલ ધંતુરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર

ખજરે ખજરે આમ છે
પીતામ્બર પગલાં પાડે છે

મોર પાણી ભરે છે
ઢેલ પાણી ઢોળે છે

રાજિયો ભોજિયો
ટીલડીનો ટચાકીયો
..........
ચોકમાં દાણા નાખ્યા છે

આવો પારેવા
આવોને ચકલાં
ચોકમાં દાણા નાખ્યા છે

આવો પોપટજી
મેનાને લાવજો
ચોકમાં દાણા નાખ્યા છે

આવોને કાબરબાઈ
કલબલ ન કરશો
ચોકમાં દાણા નાખ્યા છે

બંટી ને બાજરો
ચોખા ને બાવટો
ચોકમાં દાણા નાખ્યા છે

ધોળી છે જાર ને
ઘઉં છે રાતડા
ચોકમાં દાણા નાખ્યા છે

નિરાંતે ખાજો
નિરાંતે ખૂંદજો
ચોકમાં દાણા નાખ્યા છે

બિલ્લી નહિ આવે
કુત્તો નહિ આવે
ચોકમાં દાણા નાખ્યા છે

ચણ ચણ ચણજો
ને ચીં ચીં કરજો
ચોકમાં દાણા નાખ્યા છે